Thursday, 7 December 2017

gzl

માન તો રાખ્યું જ છે પણ મન નથી રાખ્યું તમે,
આપણા સંબંધમાં જીવન નથી રાખ્યું તમે.

એ ખરું કે સહેજ પણ બંધન નથી રાખ્યું તમે,
તોય પોતીકા સમું વર્તન નથી રાખ્યું તમે.

આટલા જલ્દી તમે ઘરડાં થયાં, કારણ કહું?
વાણી, વર્તન ક્યાંય પણ યૌવન નથી રાખ્યું તમે.

એ જ, એનો એ જ છે આજેય લબકારાનો લય,
કોઇને માટે અલગ કંપન નથી રાખ્યું તમે.

આપ કરતા હો છો મૃત્યુની જ વાતો હરઘડી,
જીવવાનું કોઇ આયોજન નથી રાખ્યું તમે?

– કિરણસિંહ ચૌહાણ

માન અને મન ! – એક માત્રાના ફરકમાં જિંદગી બદલાઈ ગઈ! શબ્દોની આવી કરામત જોઈએ ત્યારે ખાતરી થાય કે કવિ શબ્દો પાસે જતો નથી, શબ્દો કવિ પાસે આવે છે. ઉપરછલ્લું માન રાખવાનું આપણને સહુને રાસ આવી ગયું છે પણ સામાનું મન કેવી રીતે રાખવું જ્યારે ચૂકી જવાય છે ત્યારે સંબંધમાં માત્ર શરીર રહી જાય છે, જીવન ઓસરી જાય છે. અકાળે વૃદ્ધત્વ આવી જવાનું કારણ સમજાવતો શેર તો અજરામર થવા સર્જાયો છે… આખી ગઝલ એકદમ સરળ અને સહજ ભાષામાં પણ એક-એક શેર બિંદુમાં સિંધુ જેવા!

હું, માશૂક, બદલતો રહું છું !
એક જ રૂપ સદૈવ નિહાળી
રખે જાય હુંથી કંટાળી
એ બીકે તરફડતો રહું છું !
હું, માશૂક, બદલતો રહું છું !

.       કદી વૈરાગી, કદી વિલાસી,
.       કદી વૈભવરત, કદી ઉપવાસી,
.       કદી પરિતૃપ્ત, કદી ચિરપ્યાસી,
.       કદી અત્યાગ્રહી, કદી ઉદાસી,
.       કદી અધૂરો, કદી છલતો રહું છું !
.      હું, માશૂક, બદલતો રહું છું !

.                કદી મિલનમાં પણ રહું ઠાલો,
.                કદી વિરહમાં પણ મતવાલો,
.                કદી ગંભીર, કદી અતિ કાલો,
.                કદી સુક્કો, કદી લહેરી લાલો,
.                કદી ટાઢો, કદી જલતો રહું છું !
.                હું, માશૂક, બદલતો રહું છું !

.                          હું ચાંદો, સખિ, તું મુજ ધરતી,
.                          વધુઘટું રંગ તારો વરતી :
.                          આરતી બનીને તારા ફરતી
.                          પ્રદક્ષિણા પ્રીતિ મુજ કરતી !
.                          તૃપ્ત તોય ટળવળતો રહું છું !
.                          હું, માશૂક, બદલતો રહું છું !

– કરસનદાસ માણેક

No comments:

Post a Comment